પરિચય

"ચલો ગાય કી ઔર... ચલો ગાંવ કી ઔર... ચલો પ્રકૃતિ કી ઔર..." ની ભારતીય સંસ્‍કૃતિની વિભાવનાને સાકાર કરવાના ઉદ્દેશથી અને ગુજરાતને સ્વર્ણિમ વિકાસની દિશામાં અગ્રેસર કરવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે. ભૌતિક સુવિધાઓથી સભર, સુખી, સંપન્‍ન, સમૃદ્ધ ગુજરાતને સુશિક્ષિત, સુરક્ષિત, સ્‍વસ્‍થ સ્‍વાવલંબી, સમરસ અને સંસ્‍કારી સમાજ વ્‍યવસ્‍થા યુક્ત ‘રામરાજ્ય’ બનવાની દિશામાં ગુજરાત ઝડપભેર આગળ વધી રહ્યું છે. ત્યારે, ગૌ આધારિત સમાજ વ્‍યવસ્‍થાના નિર્માણ હેતુ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સતત કાર્યરત છે.

"ગૌસંવર્ધનમ્‌... રાષ્‍ટ્ર વર્ધનમ્‌" ઉક્તિને સાકાર કરવા ગૌરક્ષા, ગોપાલન, ગૌસંવર્ધન અને ગૌ આધારિત સામાજીક, આર્થિક અને આધ્‍યાત્‍મિક ઉત્‍કર્ષ દ્વારા શ્રેષ્‍ઠ રાષ્‍ટ્રના નિર્માણની ભૂમિકા ગુજરાતમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના માધ્‍યમથી કાર્યાન્‍વિત થઇ રહી છે.

ભારત ઋષિ, કૃષિ અને ગૌ સંસ્‍કૃતિનો દેશ છે. ગૌસંસ્‍કૃતિના રાષ્‍ટ્રમાં ગૌમહાત્મ્ય અનેકગણું છે. ગાય માનવજીવનનું એક અવિભાજ્ય અંગ છે. ગાય ઘર અને કુટુંબની શોભા છે. ગાય વિશ્વમાતા છે. ગાય સર્વસુખ પ્રદાન કરનારી છે. ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે. આમ ગાય હરતું-ફરતું દેવાલય છે. ગાય પર્યાવરણ રક્ષાનું શ્રેષ્‍ઠ માધ્‍યમ છે. ગાય આરોગ્‍યની ચાવી છે. પંચગવ્‍યના માધ્‍યમથી ગાય હરતું ફરતું ઔષધાલય છે. ગૌવંશ આધારિત કૃષિ શ્રેષ્‍ઠ છે. ગાય આર્થિક ઉત્‍કર્ષની અધિષ્‍ઠાતા છે. ગાય સુખ, સમૃદ્ધિ અને સંપન્‍નતાની સાથે સુરક્ષા, સ્‍વચ્‍છતા, સ્‍વાવલંબીતા, સમરસતા અને સંસ્કારિતાની પ્રદાતા છે. સાચે જ ગાયમાતા કલ્‍યાણકારી અને મંગલદાયીની છે.

વિશ્વ ગૌમાતા આજે ભારત જેવી પુણ્ય ભૂમિમાં હડધૂત થાય છે. ગાય અનાથ, અસહાય બની ગઇ છે. બિમારીનો ભોગ બની રસ્‍તે રખડતી, પ્‍લાસ્‍ટિક ખાતી દુઃખી થાય છે. આવી વિકટ પરિસ્‍થિતિમાંથી ગાયને ઉગારવા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના માધ્‍યમથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્‍યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ યોજનાઓ કાર્યરત છે. ગૌઉપાસના દ્વારા ગૌચેતના અને ગૌસંવેદના જાગૃત કરી, ગૌસંસ્‍કૃતિના પુનઃસ્‍થાપન હેતુ વિવિધ પ્રકલ્‍પો દ્વારા અદ્વિતીય અને બેનમૂન કામગીરી થઇ રહી છે. જેની આછેરી ઝલક અહીં આપી છે.

Go to Navigation